દાહોદ

CID ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહી

ગાંધીનગરની સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ સીઆઈડી ક્રાઈમ પોલીસે રાજ્યની સૌથી મોટી કાર્યવાહી કરી હતી, જેમાં રૂ.804 કરોડના સાયબર ફ્રોડનો પ્રદાફાશ કર્યો હતો. આ મામલે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં રહેતા રાહુલ અગ્રવાલ નામના યુવકની પણ સંડોવણી બહાર આવતાં આદિવાસી જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની ટીમ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી રૂ.804 કરોડનું સાયબર ફ્રોડ ઝડપી પાડ્યું છે. આ ગુનાહિત ટોળકીએ ડિજિટલ એરેસ્ટ ફ્રોડ, યુપીઆઈ સંબંધિત છેતરપિંડી, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિપોઝિટ ફ્રોડ જેવા જુદા જુદા 1549 સાયબર ક્રાઈમના ગુનાઓ આચર્યા છે. દુબઈથી ચાલતાં સાયબર ક્રાઇમ નેટવર્કમાં અડધો ડઝન ભેજાબાજોને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા છે.

ઝડપાયેલા આરોપીઓમાં કમલેશ અશોક સેન, સાગર અશોક સેન, રાહુલ રાજેશકુમાર અગ્રવાલ (રહે.રાણીવાવ ફળિયા, ધર્મશાળા રોડ, બસ સ્ટેશનની સામે, દેવગઢ બારિયા, જિ.દાહોદ), સાદીજ ફિરોજભાઈ ખીરાની, સોહિત સદરુદ્દીન વઢવાણીયા અને અમીન અકબરભાઈ ભાયાણીનો સમાવેશ થાય છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓમાં સાજીદ, સોહિલ અને અમીનનો સ્ક્રેપનો ધંધો હતો. તેઓ નાના નાના વેપારીઓ પાસેથી ભંગાર ખરીદતા અને સાઈબર ફ્રોડના નાણાંનો ધંધામાં ઉપયોગ કરતાં હતાં.

સાયબર ફ્રોડના પૈસાથી તેઓ ઈન્ટીગ્રેડ કરવાનું કામ કરતાં હતાં. 200થી વધારે સ્ક્રેપની ટ્રકો ખરીદી રૂ.20 કરોડનું પેમેન્ટ રોકડથી કર્યુ હતું. અન્ય ત્રણ આરોપીઓ કમલેશ અને સાગરે 270થી વધુ બેન્ક એકાઉન્ટો સાયબર ફ્રોડ માટે પૂરા પાડ્યાં હતાં, જ્યારે દેવગઢ બારિયાના રાહુલ અગ્રવાલનું કામ એ હતુ કે, ઠગાઇના નાણાં અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરીને અલગ અલગ બેન્કમાંથી રકમને ઉપાડી આંગડિયા પેઢી અથવા અન્ય માધ્યમથી નાણાંને મુખ્ય આરોપીઓને ટ્રાન્સફર કરતો હતો. રાહુલ અગ્રવાલ પેમેન્ટ પ્રોસેસર તરીકે કામ કરતો હતો.

રાહુલ અગ્રવાલ સામે મહારાષ્ટ્ર ઉપરાંત દાહોદ જિલ્લામાં અનેક ગુનાઓ

ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમે રૂ.804 કરોડના સાયબર ક્રાઇમના બનાવોમાં દેવગઢબારિયાના રાહુલ રાજેશકુમાર અગ્રવાલને ઝડપી પાડ્યો છે. રાહુલ અગ્રવાલ સામે અનેક ગુનાઓ પણ નોંધાયા છે. તેની વિરુધ્ધ મહારાષ્ટ્રમાં પણ ઓનલાઈન ઠગાઈનો ગુનો નોંધાતા ત્યાંની પોલીસે રાહુલની અટકાયત કરી હતી. આ ઉપરાંત રાહુલ અગ્રવાલ વિરુદ્ધ દેવગઢબારિયા તાલુકામાં આર્મ્સ એક્ટ, ટેન્કરમાંથી ગેસ ચોરી તેમજ વર્ષ 2005માં ચીફ ઓફિસરને માર મારવાની ફરિયાદ નોંધાઇ હતી.

સાયબર કૌભાંડી રાહુલના પૂર્વ મંત્રી બચુ ખાબડ સાથે ફોટા વાયરલ

કરોડો રુપિયાના સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા દેવગઢબારિયાના રાહુલ અગ્રવાલના રાજ્યના પૂર્વ મંત્રી અને દેવગઢબારિયા વિધાનસભાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ સાથેના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. ભાજપના ધારાસભ્ય બચુ ખાબડના સાયબર કૌભાંડી સાથેના ફોટાએ સમગ્ર જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો મુદ્દો જગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *