અમરેલી

અમરેલી: ચાલુ બસમાં યુવક બેભાન થઈ ઢળી પડ્યો

નારી તું નારાયણી! અમરેલી એસટી બસની મુસાફરી કરતાં એક મુસાફર માટે એ જ બસમાં મુસાફરી કરતી નર્સ ‘ભગવાન’ બનીને આવી હતી. જાફરાબાદ-રાજકોટ બસમાં જાફરાબાદનો યુવક સફર કરી રહ્યો હતો. જેને હાર્ટ સંબંધિત બીમારી હતી. અચાનક ચાલુ બસે તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. બસમાં સવાર મહિલા નર્સ દયાબેન મકવાણાએ બસ કંડકટર સાથે મળી યુવકને તાત્કાલિક CPR આપ્યો હતો જેથી તેનો જીવ બચી ગયો હતો.

‘માનવતાની ફરજ દાખવી મેં CPR આપ્યો’

નર્સ દયાબેન મકવાણા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું હતું. હાજર સૌ કોઈએ તેમના કામની સરાહના કરી તેમને વધાવી લીધા હતા. અને યુવકને 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર ઘટના અંગે જણાવતા નર્સ દયાબેન મકવાણાએ કહ્યું કે હું ‘રાજુલાની એક હોસ્પિટલમાં નોકરી કરું છું, જાફરાબાદ-રાજકોટ બસમાં સફર કરતાં સમયે જામનગર જતો એક યુવક બેભાન થઈ ગયો હતો. 108માં ફોન કર્યો પણ તાત્કાલિક ન પહોંચી શકે એટલા માટે મેં માનવતાની ફરજ દાખવી મેં CPR આપ્યો હતો’. આ સાથે નર્સ દયાબેનએ લોકોને એક સંદેશ આપ્યો કે ‘જ્યારે પણ મુસાફરી કરતાં હોય કે કોઈ જગ્યાએ હોય કોઈ બેભાન થઈ જાય અને અને તેના હ્રદયના ધબકારા બંધ પડી ગયા છે એવું લાગે તો થોડો પણ સમય વેડફયા વગર તેને CPR આપવો જોઈએ જેથી કોઈનો જીવ બચાવી શકાય’

‘બાબરા હોસ્પિટલ સુધી પહોંચાડવાની કોશિશ કરી’

‘ગોલ્ડન અવર’માં મળેલી સારવાર અંગે બસના કંડકટર અરવિંદભાઈ સરવૈયાએ કહ્યું કે ‘બાબરા પહેલા જે લુણકી નામનું જે સ્ટેન્ડ આવે છે ત્યાં પહોંચતા પહેલા એક ભાઈને આંચકી જેવું આવવા લાગ્યું હતું. એટલે પેસેન્જરમાંથી બે બહેનો જેમાંથી એક નર્સ તરીકે કામ કરતાં હતા તેમણે CPR આપ્યો હતો. અમે બસને બાબરા હોસ્પિટલ સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી. પણ CPRના કારણે ભાઈને વચ્ચેથી જ સારું થવા લાગ્યું હતું અને તે ભાનમાં આવી ગયા હતા.’

ધાર્યું ધણીનું થાય!

મળતી માહિતી અનુસાર જે યુવકનો જીવ નર્સે બચાવ્યો તેને સરકારી નોકરિયાતનું કહી ઓળખ છતી કરવાની ના કહી હતી. કહેવત છે કે ધાર્યું ધણીનું થાય, જોગાનું જોગ બસમાં હાર્ટને લગતી તકલીફ પડી અને એ જ બસમાં નર્સનું હોવું પણ એક કુદરતી સંજોગ છે. હાલ નર્સ દયાબેન અને એસટી સ્ટાફને કોઈનો જીવ બચાવ્યાની ખુશી છે.

ક્યારે CPR આપવું?

વ્યકિત બેભાન થઈ જાય અને શ્વાસ જતો રહે તો તે વ્યકિતને કાર્ડિયેક અરેસ્ટ કે હાર્ટ અટેક આવ્યો હોઈ શકે તે સંજોગોમાં દર્દીના હાથ અને ગળા પરની નસને થોડી દબાવી જોઈએ કે હ્રદયના ધબકારા આવી રહ્યા છે કે નહીં, જો ધબકારા નથી આવી રહી તો માની લો કે તે વ્યકિતને હાર્ટ અટેકની પૂરેપૂરી સંભાવના છે. એ ઉપરાંત જો હાથ, પગ અને કોઈ બીજા અંગ હલન ચલન ન કરે તો પણ હાર્ટ એટેક હોઈ શકે. હાર્ટ એટેક આવ્યો હોય તો દર્દીનું તરત મોત થતું નથી જેથી CPR આપી તેને બચાવી શકાય છે.

કેવી રીતે CPR આપવું?

હાર્ટ એટેક છે કે નહીં તેની પ્રાથમિક તપાસ કર્યા બાદ દર્દીને સીધો સપાટી પર સુવડાવી દો. બંને હાથ એક બીજા પર રાખી દર્દીની છાતીની વચ્ચે રાખો. કોણી એકદમ સીધી રાખો તમારા હાથ પર વજન મૂકો અને તેમને જોરથી દબાવો. એક મિનિટમાં ઓછામાં ઓછા 60થી વધુ વખત તેને દબાણ આપો. છાતી પર 30 વાર દબાવ્યા પછી, બે વાર મોઢાથી મોઢા સુધી શ્વાસ લો ફરી એ જ પ્રક્રિયા ચાલુ રાખો જ્યાં સુધી દર્દીના ધબકારા પાછા ન આવી જાય. આટલી ઝડપે પમ્પિંગ કરવાથી, હાર્ટમાં બ્લડ ફ્લો થાય છે વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *