ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામે આજે સવારે એક હચમચાવી દેનારી ઘટના બની છે. પારિવારિક કલેશના કારણે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. પતિએ પિયરમાં રિસામણે રહેલી પત્નીની કરપીણ હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૃતક હીનાબેન (ઉ.વ. 42) છેલ્લા આઠ મહિનાથી પતિ સાથેના મતભેદને કારણે ડારી ગામે પોતાના પિયરમાં રહેતા હતા. આજે સવારે તેમના પતિ વિનોદભાઈ ત્યાં ઘસી આવ્યા હતા અને કોઈ બોલાચાલી બાદ ઉશ્કેરાઈને હીનાબેન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. છરીના ઘા ઝીંકીને વિનોદભાઈ પોતાનું બાઈક અને હથિયાર ત્યાં જ ફેંકીને નાસી છૂટ્યા હતા.
ગંભીર રીતે ઘાયલ હીનાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે, આ ઘટનાના થોડા સમય બાદ જ સમાચાર મળ્યા હતા કે પત્નીની હત્યા કરનાર પતિ વિનોદભાઈએ પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે.
પોલીસ તપાસમાં અને પરિવારજનોની પૂછપરછમાં સામે આવ્યું છે કે દંપતી વચ્ચે લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો. પતિ વિનોદભાઈ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતા હતા અને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. આ ત્રાસથી કંટાળીને હીનાબેન આઠ માસથી પિયર રહેતા હતા. તેમણે પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને કોર્ટમાં ભરણપોષણનો કેસ પણ દાખલ કર્યો હતો, જેનું મનદુઃખ રાખીને આ હત્યા કરવામાં આવી હોવાનું મનાય છે.
બે પુત્રોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
આ કરુણ ઘટનાને કારણે બે યુવાન પુત્રો નિરાધાર બન્યા છે. દંપતીને સંતાનમાં 21 અને 19 વર્ષના બે દીકરાઓ છે, જેમણે એક જ દિવસમાં માતા અને પિતા બંનેને ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે સ્થળ પર પહોંચી પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે.
