ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, અને આવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવામાટે સોંપી દે છે, આવા કુલ 42 ખાતા ધારકો સામે જામનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં કુલ 19 ફરિયાદ નોંધાવાઈ હતી.
દરમિયાન જામનગર જિલ્લાના ધ્રોલમાંથી આવું એક એકાઉન્ટ મળી આવ્યું છે, જેમાં બે ખાતેદારો દ્વારા રૂપિયા 14.80 લાખની હેરફેર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે મામલે સરકાર પક્ષે પોલીસ હેડ કોન્સ્ટેબલ રિતેશ કુબાવત ફરિયાદી બન્યા છે, અને બેંકના એકાઉન્ટ દ્વારા બ્રિજેશ રમેશભાઈ સોરઠીયા તેમજ અક્ષય જોશી સામે ધ્રોલ પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 20 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને તેમાં 44 આરોપીઓ સામે ગુના નોંધાયા છે. જે સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
