ગુજરાતમાં કચ્છના કિનારાથી લઈને દેવભૂમિ દ્વારકા નજીકની ઊંડી ખાડીઓ સુધીનો અંદાજિત 430 કિમીનો દરિયાકાંઠાનો વિસ્તાર હવે એક નવા આર્થિક ક્રાંતિના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે. સી-વીડ (દરિયાઈ શેવાળ) ની ખેતી એક ઝડપથી વિકસતા ક્ષેત્રમાં પરિવર્તિત થઈ રહી છે, જે માછીમાર પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે સાથે દેશની બ્લૂ ઇકોનોમીને મજબૂત બનાવી રહી છે.
ગરીબ માછીમારો માટે સી-વીડ બની જીવનરેખા
સી-વીડની ખેતી ખાસ કરીને દરિયાકાંઠાના સમુદાયો અને માછીમાર પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ચોમાસા દરમિયાન જ્યારે માછીમારી પર પ્રતિબંધ હોય છે, ત્યારે સી-વીડ ઉત્પાદનની પ્રવૃત્તિ આ પરિવારોને આવક પ્રદાન કરે છે. વર્ષ 2023-24 દરમિયાન કચ્છમાં સી-વીડની 14 ટન ખેતી કરવામાં આવી હતી. આ ખેતીમાં જોડાયેલા મહિલા સ્વ-સહાય જૂથો સી-વીડની ખેતી અને તેની સૂકવણીમાંથી દર મહિને 12,000 થી 18,000 રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. આ ખેતી પરંપરાગત માછીમારી પરનું દબાણ ઘટાડી રહી છે અને પર્યાવરણને અનુકૂળ કામ કરવા માંગતી નવી પેઢીને આકર્ષે છે.
શું છે સી-વીડ અને તેની ઉપયોગિતા?
સી-વીડ એક પ્રકારનો દરિયાઈ શેવાળ છે, જેનો ઉપયોગ સદીઓથી થાય છે. સી-વીડ વિટામિન્સ, ખનિજો (ખાસ કરીને આયોડિન), ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. તે આંતરડાનું સ્વાસ્થ્ય, હૃદયનું સ્વાસ્થ્ય, થાઇરોઇડ કાર્ય અને સંભવિત વજન વ્યવસ્થાપનમાં ફાયદાકારક છે. તેનો ઉપયોગ બળતરા વિરોધી, કેન્સર વિરોધી અને બ્લડ શુગરના નિયમન માટેના સંયોજનો પૂરા પાડતા કાર્યાત્મક ઘટકો તરીકે પણ થાય છે.
ગુજરાતના દરિયાકાંઠે ઉગતુ ‘સોનું’: 430 કિમી વિસ્તારમાં સી-વીડની ખેતીથી માછીમાર પરિવારો થયા સશક્ત 2 – image
સરકારના પ્રોત્સાહનો અને સુધારાઓ
સી-વીડને મેરીકલ્ચર વિઝનના મુખ્ય સ્તંભ તરીકે માન્યતા આપીને ગુજરાત સરકારે વિકસિત ગુજરાત ફંડ હેઠળ અનેક સુધારાઓ અમલમાં મૂક્યા છે. આ પહેલ હેઠળ ખેતી સહાયથી લઈને પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી છે. અત્યારસુધી રાફ્ટ યુનિટનો ખર્ચ 3000 રૂપિયાની મર્યાદામાં આપવામાં આવતો હતો, તે વધારીને 6, 000 રૂપિયા કરવામાં આવ્યો છે. ટ્યુબ-નેટ યુનિટનો ખર્ચ 8,000 થી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવ્યો છે.
વધુમાં, સરકારે આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેટલીક મોટી ફાળવણી કરી છે.
સી-વીડ બેંક યુનિટ્સ: ₹2 કરોડ (વર્ષભર બીજની ઉપલબ્ધતા માટે)
પ્રોસેસિંગ યુનિટ્સ: ₹5 કરોડ (કેરેજીનન, અલ્જીનેટ વગેરે કાઢવા માટે)
સંશોધન કેન્દ્ર: કામધેનુ યુનિવર્સિટી હેઠળ ઓખા ખાતે સી-વીડ સંશોધન માટે ₹6 કરોડ ફાળવવામાં આવશે.
આ પણ વાંચો: ધોળકાના લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઈઝનિંગ, દૂધીના હલવા અને પનીરના સેમ્પલ લેવાયા, 1100 લોકોનો કરાયો સર્વે
કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને મોરબીમાં સમુદાયોને સી-વીડની ખેતી માટે નિયમિત તાલીમ આપવામાં આવી રહી છે. એક સમયે વિશિષ્ટ પ્રવૃત્તિ ગણાતી સી-વીડ ફાર્મિંગ આજે સરકારી સમર્થન અને તકનીકી નવીનતાને કારણે અભૂતપૂર્વ વેગ મેળવી રહી છે. ગુજરાત સરકાર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 10 થી 12 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) ની બીજી આવૃત્તિનું આયોજન કરશે.
