પોરબંદર: પોરબંદર સહિત રાજ્યભરના સમુદ્રમાં નાની માછલીઓ પણ જાળમાં ફસાઇ જાય એવી લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં ઘણા માછીમારો આ પધ્ધતિથી માછીમારી કરતા હોય છે ત્યારે પોરબંદરના દરિયામાં લાઇટ ફિશિંગ કરતા બે પીલાણા હાર્બર મરીન પોલીસે પકડી ત્રણ ખલાસીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે.
ગાંધીનગર કોસ્ટલ સિક્યુરિટીનાં ડીજીપીની સૂચનાથી પોરબંદરના હાર્બર મરીન પોલીસે દરિયાઇ વિસ્તારમાં પેટ્રોલીંગ કરીને માછીમારોની બોટ ચેક કરતાં હતા, તે દરમિયાન ઇન્દિરાનગર સામેના દરિયામાં એક ફાઇબર બોટ (પીલાણુ) જેમાં બે માછીમારો બિનઅધિકૃત રીતે પ્રકાશિત એલઇડી લાઇટ રાખીને જેનો લાઇટ ફિશિંગમાં ઉપયોગ કરતા હતા તેવું ધ્યાને આવતા પોલીસે પીલાણાને અટકાવ્યું હતું. ગુલશને ગરીબ નવાઝ નામનું આ પીલાણુ અટકાવ્યા બાદ તેમાં રહેલા ખલાસીઓની પૂછપરછ કરતા મૂળ હર્ષદના ગાંધવી ગામનો તથા હાલ માંગરોળના બારા વિસ્તારમાં રહેતો મોહમદ હુસેન પટેલીયા (ઉ.વ.૩૭) અને બીજો દેવભૂમિ દ્વારકાના ભલાણા ગામના અજમેરી ચોકમાં રહેતો કાસમ હુસેન સંધીભટ્ટી (ઉ.વ.૪૯) હોવાનું જણાવ્યું હતું. પીલાણામાં એલઇડી લાઇટ ફીટ કરી માછીમારી માટે ઉપયોગમાં લેવા માટે કોઇ મંજૂરી કે પરવાનો રજૂ ન કરાતાં મોહમદ હુસેન અને કાસમ હુસેન બંને સામે ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા અધિનિયમ-૨૦૨૪ અંતર્ગત નિયમનો ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
એ જ રીતે હાર્બર મરીન પોલીસની ટીમ ઇન્દિરાનગર સામેના દરિયામાં પેટ્રોલીંગ કરતી હતી ત્યારે એક ફાઇબર બોટ (પીલાણા)માં પ્રકાશિત એલઇડી લાઇટ નજરે ચડતાં પોલીસે ત્યાં જઇ તપાસ કરતાં દીદાર-૧ નામનું પીલાણુ મળી આવ્યું હતું, જેમાં એક માછીમાર માંગરોળના બારા વિસ્તારનો ઝુલ્ફીકાર ઇબ્રાહિમ પટેલિયા (ઉ.વ.૩૦) હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને ધરપકડ કરી હતી. પકડાયેલો શખ્સ મૂળ જામનગરના નાવદ્રા ગામનો હોવાનું જણાવ્યું હતું.
– લાઇન ફિશિંગ અટકાવવા વીડિયો થયો વાયરલ
માંગરોળ નજીક અરબી સમુદ્રમાં માછીમારી કરી રહેલા એક યુવાને વીડિયો વાયરલ કરીને એવી અપીલ કરી હતી કે લાઇન ફિશિંગનો કાયદો અમલમાં હોવા છતાં તેનો ભંગ કરીને સમૂહમાં આવતી ફિશિંગ બોટો માછલાને ઉપાડી જાય છે, જેથી નાના માછલાઓ પણ બચતા નથી. કોસ્ટ ગાર્ડ, નેવી અને મરીન પોલીસ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદાનું ચુસ્તપણે પાલન કરાવે તે જરૂરી હોવા છતાં અરબી સમુદ્રમાં બેરોકટોક લાઇન ફિશિંગ થઇ રહી છે.
લાઇટ અને લાઇન ફિશિંગ પધ્ધતિથી થતું નુકસાન
લાઇટ ફિશિંગમાં માછીમારો તેમના પીલાણામાં એકદમ પ્રકાશિત લાઇટ રાખે છે, જેનાથી માછલીઓનો મોટો જથ્થો આકર્ષિત થઇને ફસાઇ જાય છે જેમાં નાના બચ્ચાઓનો પણ સમાવેશ થતો હોય છે. જ્યારે લાઇન ફિશિંગ પધ્ધતિમાં એક સાથે સમૂહમાં પચાસ કે તેથી વધુ ફિશિંગ બોટો મોટા વિસ્તારને કવર કરી માછલા ઉસેડી લે છે, જેથી દરિયાઇ જીવસૃષ્ટિ અને માછલીઓના બચ્ચાને પણ નુકશાન થાય છે. જેનાથી માછીમારી ઉદ્યોગને ખૂબ મોટુ નુકસાન થશે અને માછલાની પ્રજાતિ નાશ પામશે, તેથી આ બંને પ્રકારની પધ્ધતિઓ મારફતે ફિશિંગ કરવા ઉપર પ્રતિબંધ છે.
