સુરેન્દ્રનગર : ગાંધીનગરના અડાલજ પાસે આવેલ જમિયતપુરા સ્થિત શાર્દુલ ગુરુકુળના ૮થી ૧૧ વર્ષના ૩૦ બાળકો, ૧૦ ગુરુજનો અને માતાઓ સાથે ચોટીલાના દર્શનાર્થે ૨૧૦ કિલોમીટરની સાયકલ યાત્રા પર ૬ ડિસેમ્બર (માગશર વદ બીજ)ના રોજ વહેલી સવારે નીકળાયા હતા અને ૧૨ ડિસેમ્બર (માગશર વદ આઠમ)ના રોજ ચોટીલા પહોંચી સાયકલ યાત્રા પૂર્ણ કરી હતી.
૦૬ દિવસની પ્રેરક યાત્રામાં ૨૨ દિકરાઓ, ૦૮ દિકરીઓ, ૧૦ ગુરુજનો અને માતાઓએ ૫૦ જેટલાં ગામોનું પરિભ્રમણ કર્યું હતું અને દરેક ગામમાં ભિક્ષા ગ્રહણ કરીને ગીતાના શ્લોક વડે આભાર વ્યકત કરવાનાં સંસ્કાર, સ્થાનિક ઇતિહાસ, મંદિરો, જળાશયો, કૃષિ પધ્ધતિની જાણકારી તેમજ નાટક, ભજન, શા-સત્સંગ અને ગ્રામજનો સાથે સંવાદ કરી સંસ્કૃતિનો જીવંત અનુભવ લોકોને કરાવ્યો હતો.
શાર્દુલ પરિવાર દર વર્ષે બાળકો માટે આવા વિવિધ તીર્થક્ષેત્રોની શ્રદ્ધા યાત્રાનું આયોજન કરે છે. આ વર્ષની યાત્રાનું સૂત્ર ‘ગીતા થકી પંચ-પરિવર્તન’ છે. યાત્રા દરમિયાન બાળકો ગીતાના ૧૮ અધ્યાયોનું પારાયણ કર્યું હતું.
અંદાજે ૨૧૦ કિ.મી. ફર્યા બાદ સાયકલ યાત્રાની પૂર્ણાહુતિ ચોટીલા ખાતે આવેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ સ્મારક ખાતે થઈ હતી. આ તકે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ગુરુકુળના સ્થાપક સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
