ગૂગલ કંપનીએ ઓગસ્ટ ૨૦૨૫માં પહેલી વાર નેનો બનાના નામે એઆઇ ઇમેજ જનરેશન ટૂલ લોન્ચ કર્યું ત્યારથી તેની ક્ષમતાએ ખાસ્સી એવી ચર્ચા જગાવી છે. આ ટૂલનું ઓફિશિયલ નામ જેમિની 2.5 ફ્લેશ ઇમેજ છે. આ ટૂલ આપણી શાબ્દિક સૂચના મુજબ લગભગ કોઈ પણ પ્રકારની ઇમેજ જનરેટ કરી આપે છે.
હવે, ગયા મહિને એટલે કે નવેમ્બર ૨૦, ૨૦૨૫માં નેનો બનાના પ્રો વર્ઝન પણ લોન્ચ થઈ ગયું છે. આ વર્ઝન તેના નામ મુજબ રેગ્યુલર વર્ઝન કરતાં ઘણું વધુ પાવરફુલ છે. ખાસ તો પ્રો વર્ઝનમાં કોઈ પણ એક ઇમેજ ઇનપૂટ તરીકે આપીને તેમાંથી નાની ટેગલાઇનથી લઇને લાંબા પેરેગ્રાફ સાથેનું વિસ્તૃત ઇન્ફોગ્રાફિક પણ બનાવી શકાય છે.
નેનો બનાના ઇમેજ જનરેશન ટૂલ ગૂગલની વિવિધ સર્વિસમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવી રહ્યું છે. જેમ કે ગૂગલ ફોટોઝમાં પણ આ ટૂલ ઉમેરાઈ રહ્યું છે, જેને કારણે આપણે ફક્ત શાબ્દિક સૂચના આપીને પોતાના ફોટોમાં વિવિધ પ્રકારના ફેરફાર કરી શકીશું. આપણે કોઈ પ્રકારના એડિટિંગ ટૂલ ફંફોસવાની જરૂર રહેશે નહીં.
આમ તો આપણે ડેસ્કટોપમાં ગૂગલ જેમિનીની વેબસાઇટ (https://gemini.google.com/app) પર જઇને નેનો બનાનાની મદદથી ઇમેજ જનરેટ કરી શકીએ છીએ. હવે એ જ સુવિધા એન્ડ્રોઇડમાં ક્રોમ બ્રાઉઝરમાં પણ ઉમેરાઈ જશે.
નેનો બનાના ઇમેજ જનરેશન ટૂલ ગૂગલ સર્ચમાં પણ ઉમેરાયું છે. ડેસ્કટોપ તથા સ્માર્ટફોન માટેની ક્રોમ બ્રાઉઝર એપમાં બ્રાઉઝરનું એડ્રેસબાર સર્ચ ટૂલ તરીકે પણ કામ કરે છે. આથી હવે તેમાંથી જ ઇમેજ જનરેશનનો લાભ લઈ શકાશે. મતલબ કે આપણે એન્ડ્રોઇડમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું ત્યારે તેમાં નવી ટેબ ઓપન કરતાં નેનો બનાનાની મદદથી નવી ઇમેજ જનરેટ કરવાનો ઓપ્શન મળશે. તેને સિલેક્ટ કરી ક્રોમ બ્રાઉઝરમાં જ આપણી સૂચના લખીને કોઈ પણ પ્રકારની ઇમેજ જનરેટ કરી શકીશું. આ રીતે જનરેટ થયેલી ઇમેજ આપણે ડાઉનલોડ કરી શકીશું અથવા બ્રાઉઝરમાંથી જ બીજી કોઇ પણ જગ્યાએ શેર કરી શકીશું.
