મેક્સિકો દ્વારા ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશો પર 50% સુધી ટેરિફ વધારવાની જાહેરાત કરવામાં આવતા ભારતીય નિકાસકારોમાં ગંભીર ચિંતા ઊભી થઈ છે. ભારતની મેક્સિકોમાં થતી 52,000 કરોડ રૂપિયાથી વધુની વાર્ષિક નિકાસ પર આ ટેરિફની ગંભીર અસર પડી શકે છે. આ ટેરિફ પહેલી જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે.
પહેલી જાન્યુઆરીથી 50% ટેરિફ લાગુ થશે
મેક્સિકન કોંગ્રેસના બંને ગૃહો દ્વારા 11મી ડિસેમ્બર 2025ના રોજ આ ટેરિફ વધારાને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય એવા દેશોથી થતી આયાતને લક્ષ્ય બનાવે છે જેમની પાસે મેક્સિકો સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી, જેમાં ભારત, ચીન, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. મેક્સિકો આશરે 1,463 વસ્તુઓ પર 5% થી 50% સુધીની આયાત ડ્યુટી લાદશે.
ભારત સરકારનો સખત વાંધો, ચર્ચા શરૂ
મેક્સિકોના આ નિર્ણય સામે ભારત સરકારે ઔપચારિક રીતે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને ભારતીય નિકાસકારોના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેવાનો અધિકાર અનામત રાખ્યો છે. આ મામલે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ અને મેક્સિકોના નાયબ અર્થતંત્ર મંત્રી લુઈસ રોસેન્ડોએ પહેલેથી જ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે, અને ટૂંક સમયમાં વધુ બેઠકો યોજાય તેવી સંભાવના છે.
કયા ક્ષેત્રોને થશે અસર?
ભારતીય નિકાસકારોએ આ પગલા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જે મુખ્ય ક્ષેત્રો પર અસર થવાની સંભાવના છે.
•ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનન્ટ્સ
•મશીનરી, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ
•ઓર્ગેનિક રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ
•કાપડ અને પ્લાસ્ટિક
52,000 કરોડ રૂપિયાથી વધુની નિકાસ જોખમમાં
નાણાકીય વર્ષ 2024-25ના આંકડાઓ મુજબ, ભારતની મેક્સિકોમાં નિકાસ 5.75 અરબ ડોલર (52,077 કરોડ રૂપિયાથી વધુ) હતી, જ્યારે મેક્સિકોથી આયાત 2.9 અરબ ડોલર હતી. જો આ ઊંચા ટેરિફ લાગુ થશે, તો ભારતની આ મોટી નિકાસ પર ગંભીર અસર પડી શકે છે. મેક્સિકોએ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને વેપાર અસંતુલન ઘટાડવાના હેતુથી આ ટેરિફ લાદ્યા હોવાનું જણાવ્યું છે. ભારત સરકાર આ નિકાસ બજારોને બચાવવા માટે મેક્સિકો સાથે વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
