ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બાળકીના અપહરણની શંકામાં બે સાધુઓને ટોળાએ નિર્દયતાથી દોડાવી-દોડાવીને માર માર્યો હતો. આ બર્બર મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે 4 લોકોની અટકાયત કરી છે.
આ ઘટના શનિવારે જૌનપુર શહેરના કોતવાલી વિસ્તારના ફૈઝબાગમાં બની હતી. અહીં સ્થાનિક લોકોએ બે સાધુઓને એવા આરોપ સાથે પકડી લીધા કે તેઓ એક નાની બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ માર મારતા પહેલા સાધુઓ પાસે તેમની ‘પરીક્ષા’ લેવા માટે ગાયત્રી મંત્ર અને હનુમાન ચાલીસા બોલવાની માંગ કરી હતી. પરંતુ, આ દરમિયાન જ કેટલાક યુવકોએ બેલ્ટ અને દંડા વડે સાધુઓને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ટોળું સાધુઓને રસ્તા પર દોડાવી-દોડાવીને મારી રહ્યું છે, જે દરમિયાન એક સાધુ નાળામાં પણ પડી જાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જૌનપુરના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (શહેર) આયુષ શ્રીવાસ્તવે માહિતી આપતા જણાવ્યું કે, સાધુઓ સાથે મારપીટના મામલે શહેર કોતવાલીમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આ કેસમાં ચાર લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
