વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ના એક યુગનો અંત આવ્યો છે. WWEના મહાન સુપરસ્ટાર જૉન સીનાએ શનિવારે (13મી ડિસેમ્બર) તેમની છેલ્લી મેચ લડીને રેસલિંગ રિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેમની અંતિમ મેચ ગુંથર સામે હતી, જેમાં સીનાને હારનો સામનો કરવો પડ્યો હતો.
20 વર્ષની કારકિર્દીમાં પ્રથમ ટેપ આઉટ
જૉન સીના તેમની અંતિમ મેચમાં ગુંથર સામે ટેપ આઉટ થવા મજબૂર થયા હતા. આ WWEમાં એક દુર્લભ ઘટના હતી, કારણ કે 20 વર્ષની કારકિર્દીમાં કદાચ આ પહેલીવાર હતું જ્યારે સીના કોઈ મેચમાં ટેપ આઉટ થયા હોય (સબમિશન હોલ્ડને કારણે મેચ ચાલુ રાખવાની અસમર્થતા).
ભાવુક વિદાય અને દિગ્ગજની હાજરી
મેચ સમાપ્ત થયા પછી, જૉન સીનાએ રિંગમાં તેમના શૂઝ મૂકી દીધા, જે નિવૃત્તિનું પરંપરાગત પ્રતીક માનવામાં આવે છે. આ એક ઐતિહાસિક અને ભાવનાત્મક અંત હતો. તેમની શાનદાર કારકિર્દી માટે એક ભાવુક વીડિયો પેકેજ રજૂ કરવામાં આવ્યું. સીનાએ ફેન્સને કહ્યું કે, ‘આટલા વર્ષોથી ફેન્સનું મનોરંજન કરવું એ સન્માનની વાત હતી.’ પછી ભાવુક થઈને સેલ્યુટ કર્યું.
આ દરમિયાન ઘણાં દિગ્ગજ રેસલર જેમાં કર્ટ એંગલ, માર્ક હેનરી, રોબ વેન ડેમ, મિશેલ મેકકુલ અને ટ્રિશ સ્ટ્રેટસ (WWE હોલ ઓફ ફેમર્સ) રિંગસાઇડ પર હાજર રહ્યા હતા. ધ રોક અને કેન સહિત અનેક દિગ્ગજોએ પણ વીડિયો સંદેશ દ્વારા સીનાને શુભેચ્છાઓ પાઠવી હતી.
જૉન સીનાની યાદગાર કારકિર્દી
વર્ષ 2002માં WWEમાં પ્રવેશ કરનાર જૉન સીનાની કારકિર્દી સિદ્ધિઓથી ભરેલી રહી છે. તે સૌથી વધુ 17 વખત WWE ચેમ્પિયનશિપ જીતનાર રેસલર છે. રેસલિંગ ઉપરાંત, તેમણે ઘણી હોલીવુડ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને અનેક પુસ્તકો પણ લખ્યા છે, જેનાથી તેમની લોકપ્રિયતા વૈશ્વિક બની છે.
