અરવલ્લી જિલ્લાના બાયડ અને સાઠંબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીનું ગત રાત્રે માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. આ દુર્ઘટના બાયડ-કપડવંજ હાઈવે પર બોરલ ગામ નજીક લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે બાઇકની ટક્કર થવાથી સર્જાઈ હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પ્રવીણસિંહ સોલંકી રાત્રિના સમયે પોતાની બાઇક પર જઈ રહ્યા હતા. બોરલ ગામ પાસેથી પસાર થતી વખતે લાકડા ભરેલા એક ટ્રેક્ટર સાથે તેમની બાઇક ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં પ્રવીણસિંહ સોલંકીને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. તેમના નિધનથી બાયડ અને સાઠંબા તાલુકા કોંગ્રેસ સમિતિમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પોલીસ તંત્ર પર સ્થાનિકોના આક્ષેપો
આ અકસ્માત બાદ સ્થાનિકોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા પોલીસ તંત્ર પર ગેરકાયદે રીતે લાકડા ભરીને જતા ટ્રેક્ટરો સામે કડક કાર્યવાહી ન કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે જો આ ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ઓવરલોડેડ વાહનો પર નિયંત્રણ નહીં આવે તો ભવિષ્યમાં વધુ નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકો જીવ ગુમાવી શકે છે.
