સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક સપ્તાહ પહેલા થયેલી ચકચારી લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ફાઇનાન્સ એજન્ટની આંખમાં મરચું નાખી ફિલ્મી ઢબે લૂંટ ચલાવનાર છ આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત અઠવાડિયે એક ફાઇનાન્સ પેઢીના એજન્ટ બાઈક પર સવાર થઈને પ્રાંતિજથી હિંમતનગર તરફ જઈ રહ્યા હતા. રાત્રિના સમયે દલપુર નજીક અંધારાનો લાભ લઈ બાઈક પર આવેલા લૂંટારુઓએ એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. ત્યારબાદ માથામાં લાકડી ફટકારી એજન્ટને નીચે પાડી દીધો હતો અને તેની પાસે રહેલો રૂ. 7.88 લાખની રોકડ ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા.
પોલીસે કઈ રીતે ઉકેલ્યો કેસ?
લૂંટની આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પ્રાંતિજ પોલીસ અને સાબરકાંઠા પોલીસની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે લૂંટારુઓ સ્થાનિક જ છે. પોલીસે બાતમીના આધારે પ્રાંતિજ તાલુકાના છ શખ્સોને દબોચી લીધા હતા.
પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ લૂંટ કરતા પહેલા ફાઇનાન્સ એજન્ટની રેકી (વોચ) કરી હતી અને પ્લાનિંગ મુજબ જ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટાયેલી રકમમાંથી રૂ. 7.71 લાખ રોકડા રિકવર કર્યા છે. આ ઉપરાંત વાહનો અને અન્ય વસ્તુઓ મળીને કુલ રૂ. 9.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ અને ગુનામાં તેમની ભૂમિકા
મિતેષગીરી ઉર્ફે મીત્યો અશોકગીરી ગોસ્વામી (રહે. ઉંછા): ફરિયાદીની વોચ રાખી અને હુમલો કરી લાકડી મારનાર.
સુરજસિંહ રણજીતસિંહ મકવાણા (રહે. ઉંછા): વોચ રાખી અને રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી લેનાર.
કુલદીપસિંહ ઉર્ફે પીન્ટો દીપસિંહ મકવાણા (રહે. ઉંછા): એજન્ટની આંખમાં મરચું નાખનાર.
ભાવીકસિંહ વિરસંગજી મકવાણા (રહે. ઉંછા): આંખમાં મરચું નાખવામાં મદદગારી કરનાર.
મીહીલસિંહ ભરતસિંહ મકવાણા (રહે. ઉંછા): ફરિયાદી ક્યારે નીકળે છે તેની માહિતી (ટીપ) આપનાર.
હંસરાજગીરી પ્રવિણગીરી ગોસ્વામી (રહે. પોગલુ): ફરિયાદી અંગેની માહિતી પૂરી પાડનાર.
