ડાંગ

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં ડાંગમાં ભાજપને ફટકો, બે નેતાની ‘કેસરિયો’ છોડી કોંગ્રેસમાં ઘરવાપસી

ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાના એંધાણ છે. આવતીકાલે (17 ઓક્ટોબર) રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપમાં મોટું ભંગાણ પડતું જોવા મળી રહ્યું છે. ભાજપના બે અગ્રણી નેતાઓએ ‘કેસરિયો’ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ નેતાઓમાં ડાંગ જિલ્લાના ભાજપના સક્રિય નેતા દીપક પીંપળે અને થોડા વર્ષો પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મંગળ ગાવિતનો સમાવેશ થાય છે. બંનેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.

ડાંગ ભાજપમાં ભંગાણ: 

મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપના સક્રિય નેતા દીપક પીંપળેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ડાંગ જિલ્લાના ભાજપ પ્રમુખ કિશોર ગાવિતને લેખિતમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. દીપક પીંપળે છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા. તેમણે આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. તેમના અચાનક રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો છે.

રાજીનામા પાછળનું કારણ: ભાજપમાં જૂથવાદનો આક્ષેપ

દીપક પીંપળેના રાજીનામા પાછળનું કારણ ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ હોવાનું સામે આવ્યું છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના નેતાએ આરોપ લગાવ્યો છે કે, “પાર્ટીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.” આ આક્ષેપો સાથે જ તેઓ ભાજપ મૂકીને કોંગ્રેસમાં જોડાયા હોવાની પુષ્ટિ થઈ છે.

પાંચ વર્ષમાં ‘મોહભંગ’: મંગળ ગાવિતની કોંગ્રેસમાં ઘરવાપસી

એક તરફ દિપક પીંપળેનો દાવો છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે, તો બીજી બાજુ પાંચ વર્ષ પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મંગળ ગાવિતે ભાજપ સાથે છેડો ફાડી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે, ડાંગના ભાજપ નેતા મંગળ ગાવિત વર્ષ 2020માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને હવે કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે.

મંગળ ગાવિત કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને પેટા-ચૂંટણી માટે ટિકિટની માગણી કરી હતી. જોકે, ભાજપે ત્યારે મંગળ ગાવિતને ટિકિટ આપી નહોતી. હવે પાંચ વર્ષ બાદ તેમણે ભાજપમાંથી છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં જોડાણ કર્યું છે. રાજકીય વર્તુળોમાં ગાવિતના ભાજપમાંથી થયેલા ટૂંકાગાળાના મોહભંગની ચર્ચાએ જોર પકડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *