વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામમાં પૈસાની નજીવી બાબતે પુત્રની હત્યા કરનાર કમનસીબ પિતાને વાપી કોર્ટે આજે (12 ડિસેમ્બર) આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. વાડીમાં કાપેલા વૃક્ષોના આવેલા નાણાં પુત્રને ન આપવા બદલ ઉગ્ર બોલાચાલી થયા બાદ પિતાએ પુત્ર પર કુહાડી વડે ઉપરાછાપરી ઘા ઝીંકીને ઢીમ ઢાળી દીધું હતું.
શું હતો સમગ્ર બનાવ?
આ કેસની વિગત અનુસાર, પારડીના રોહિણા ગામે દામુ ફળિયામાં રહેતા નામદેવ બાબુભાઈ નાયકાના પુત્ર નરોત્તમ નાયકાએ ગત તા. 9 મે, 2023ના રોજ વાડીમાં આવેલા પિતાને સવાલ કર્યો હતો. નરોત્તમે પૂછ્યું હતું કે, “વાડીમાં વૃક્ષો કાપ્યા બાદ આવેલા નાણાંમાંથી મને મારો ભાગ કેમ આપતા નથી?”
આ બાબતને લઈને પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ અને ઝઘડો ઉગ્ર બન્યો હતો. નામદેવ નાયકા ઉશ્કેરાઈ ગયા હતા અને આવેશમાં આવીને પુત્ર નરોત્તમ પર કુહાડી વડે ઉપરાછાપરી બે થી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા નરોત્તમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. આ મામલે પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતા નામદેવની ધરપકડ કરી હતી.
કોર્ટમાં પુરાવા અને ચુકાદો
પારડી પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ વાપી કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ રાકેશ ચાંપાનેરીયાએ પરિવારજનો સહિતના સાક્ષીઓની જુબાની, પી.એમ. રિપોર્ટ અને અન્ય મહત્ત્વના પુરાવા સાથે દલીલો રજૂ કરી હતી.
જજ પુષ્પા સોનીએ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી પિતા નામદેવ નાયકાને પુત્રની હત્યા કરવા બદલ તકસીરવાર ઠેરવ્યા હતા. કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા અને રૂ. 5000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. પૈસાની નજીવી બાબતે થયેલા આ કૃત્યથી કૌટુંબિક સંબંધો વેરવિખેર થયા છે, જ્યારે કાયદાએ પોતાનો ન્યાય આપ્યો છે.
