સુરત પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબુત બનાવવા માટે જમ્બો સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ માળખામાં તમામ વર્ગને સાંકળી લેવાનો દાવો કરવામા આવ્યો છે પરંતુ નવું સંગઠન જાહેર કરવાની સાથે જ કોંગ્રેસના જૂના જોગીઓ માં ભારે નારાજગી જોવા મળી રહી છે. સંગઠન જાહેર કરાયાની ગણતરીની મિનિટોમાં જ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને મહામંત્રીએ રાજીનામા આપી દીધા છે. આગામી સમયમાં કોંગ્રેસ સંગઠન માળખામાં વધુ નારાજગી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સુરત પાલિકાની ચૂંટણીમાં જુથબંધી અને પાટીદાર અનામત આંદોલનના નેતાઓએ છેલ્લી ઘડીએ આપ ને ટેકો જાહેર કરી દેતા કોંગ્રેસને 120 માંથી એક પણ બેઠક મળી ન હતી. લાંબા સમયથી કોંગ્રેસ સુશ્રુત અવસ્થામાં હતી દરમિયાન ફરી પાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે કોંગ્રસે પહેલા શહેર પ્રમુખ તરીકે વિપુલ ઉધનાવાાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે જ કેટલાક નેતાઓમાં નારાજગી જોવા મળતી હતી. ગઈકાલે કોંગ્રેસે સંગઠનને મજબૂત બનાવવા માટે 151 જેટલા હોદ્દેદારો ની નિમણુંક કરી દીધી છે ત્યાર બાદ નવા વરાયેલા સભ્યોને અભિનંદન આપવાની શરુઆત થાય તે પહેલાં જ કોંગ્રેસ સંગઠન મહામંત્રી અને ઉપ પ્રમુખે નવા માળખા સામે નારાજગી જાહેર કરી રાજીનામા આપી દીધા છે.
પુણા વરાછા વિસ્તારમાં સમયાંતરે લોકોના પ્રશ્નો ઉઠાવી કોંગ્રેસ ને જીવંત રાખનારા ઉપ પ્રમુખ સુરેશ સુહાગીયાએ અને મહામંત્રી દિપક પટેલ ગોડાદરાએ રાજીનામું આપી દીધું હોવાનું બહાર આવ્યું છે. સુહાગીયા એ રાજીનામા પત્ર માં સંગઠનની નિમણુંક માં કોઈની સાથે ચર્ચા કરવામાં આવી નથી તેવો ઉલ્લેખ કરાયો છે.
આ ઉપરાંત નવા માળખા સાથે એવી ચર્ચા થઈ રહી છે કે, પાલિકાની ગત ચૂંટણીમાં કોંગ્રેસની હાર પાછળ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ હતા. કેટલાકને ટિકિટ મળ્યા બાદ ચૂંટણી લડવા ના પાડી દીધી હતી ઉપરાંત ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી આપ ને સમર્થન કર્યું હતું. આવા તત્વો ના ઈશારે સંગઠનમાં નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસના અસંતુષ્ટ કાર્યકરો એવી ચર્ચા કરી રહ્યાં છે કે ફરીથી કોંગ્રેસમાં મનમાની થઈ રહી છે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વધુ મુશ્કેલીમાં મળશે.
