અમદાવાદ

સાયબર ક્રાઇમનો નવો ટ્રેન્ડ: ‘મ્યુલ એકાઉન્ટ’ દ્વારા લાખોની છેતરપિંડી! અમદાવાદમાં બે આરોપીની ધરપકડ

સાયબર ક્રાઇમની દુનિયામાં હવે ગુનેગારોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જેને પોલીસ ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ’ કહેવામાં આવે છે. સામાન્ય લોકોને નજીવી રકમની લાલચ આપીને તેમના બેન્ક ખાતાનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આવા જ બે ગુના દાખલ થયા છે, જેમાં પોલીસે બે આરોપી મહમદ ફેઝાન કુરેશી અને રાજુસિંહ રાજપૂતની ધરપકડ કરી છે. અધિકારીઓએ આ સમગ્ર મામલે ચેતવણી આપી છે કે માત્ર 1,000 અને 2,000 રૂપિયાની લાલચમાં સામાન્ય વ્યક્તિ ગુનેગાર બની શકે છે.

જાણો શું છે સમગ્ર મામલો

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં 10/12/2025 અને 11/1/2025ના રોજ સાયબર ક્રાઇમને લગતા કુલ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર, આ ગુનાઓ ‘મ્યુલ એકાઉન્ટ’ના અનુસંધાનમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બે એકાઉન્ટ હોલ્ડર્સની ધરપકડ કરી છે અને તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીએ આ સમગ્ર ઘટના સમજાવતા જણાવ્યું કે, ‘મ્યુલ’ એટલે એવો વ્યક્તિ જે માત્ર નાણાકીય લાલચમાં આવીને પોતાનું બેન્ક એકાઉન્ટ, ડિટેલ્સ, PIN નંબર અને ચેકબુક અન્ય વ્યક્તિને સોંપી દે છે. આ વ્યક્તિ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલા નાણાંને આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. આના બદલામાં, મ્યુલને ટ્રાન્સફર થયેલી કુલ રકમના 1 લાખે 1થી 3% (એટલે કે 1,000થી 3,000 રૂપિયા) જેટલો નજીવો ફાયદો મળે છે.

લાખોનું ટ્રાન્ઝેક્શન, હજારોનો ફાયદો

પકડાયેલા આરોપીઓ પાસેથી મળતી વિગતો ચોંકાવનારી છે. આરોપી મોહમ્મદ ફેઝાને પોતાના એકાઉન્ટમાં 10 લાખથી વધુ નાણાં મેળવ્યા હતા અને આના બદલામાં તેણે માત્ર 10,000 રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા. તેવી જ રીતે બીજા કેસમાં આરોપી રાજુસિંહ રાજપૂતના ખાતામાં લગભગ 22 લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર થયા હતા, જેમાંથી તેણે માંડ 20,000થી 25,000 રૂપિયા મેળવ્યા હતા.

પોલીસનો જાહેર જનતાને સંદેશ

આ મામલે પોલીસે જાહેર જનતાને ગંભીર સંદેશો આપ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, સાયબર ક્રાઇમના મોટા ગુનેગારો હવે સામાન્ય વ્યક્તિને થોડી લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે પોલીસ દ્વારા ગુનો દાખલ થાય છે અને તપાસ થાય છે, ત્યારે જેનું એકાઉન્ટ હોય તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય છે. માત્ર 1,000 અને 2,000 રૂપિયાની નજીવી લાલચમાં વ્યક્તિ ગુનેગાર બની જતો હોય છે.

પોલીસે દ્વારા અપીલ કરી છે કે, કોઈપણ સંજોગોમાં કોઈપણ વ્યક્તિને પોતાના બેન્ક એકાઉન્ટની ડીટેલ્સ, PIN નંબર, પાનકાર્ડ, ક્રેડિટ કાર્ડ કે અન્ય કોઈ પણ સંવેદનશીલ માહિતી આપવી જોઈએ નહીં અને પોતાની નાણાકીય સુરક્ષા જાતે જ સુનિશ્ચિત કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *