શહેરના હરિઓમ નગર વિસ્તારમાં રહેતા રવિભાઈ શંકરભાઈ ભાટિયા વિદ્યાનગર ખાતે આવેલા એક બંગલામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે તેમના ઘરની સામે આવેલા શાંતિ દીપ સોસાયટીમાં રહેતો જીતુભાઈ હરિભાઈ મહારાજ અવારનવાર તેમના ઘર સામે બેસીને અપશબ્દો બોલતો હોવાથી તેને ના પાડતા અણબનાવ બન્યો હતો. દરમિયાન જીતુભાઈ મહારાજને શોધવા માટે અવારનવાર પોલીસ આવતી હોવાથી રવિભાઈ ભાટિયા પોલીસમાં બાતમી આપે છે તેવો શક જીતુભાઈને હતો દરમિયાન જીતુભાઈ મહારાજ રવિભાઈના ઘરે આવી પહોંચ્યો હતો અને પોલીસમાં મારી કેમ બાતમી આપે છે તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો. બાદમાં રવિભાઈનું એક્ટિવા લઈને ફરાર થઈ ગયો હતો ગંભીર રીતે ઘવાયેલ રવિભાઈને તુરંત સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ રાત્રિના સુમારે જીતુભાઈ મહારાજ સાલીની એપાર્ટમેન્ટ નજીક પહોંચ્યા હતા અને મહેશભાઈ વાઘેલા નામના યુવકને પણ રોકી તું પોલીસમાં મારી બાતમી કેમ આપે છે તેમ કહી તેના ઉપર પણ ત્રણથી ચાર છરીના ઘા મારી દીધા હતા તેને પણ લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે જીતુભાઈ મહારાજ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
