સરપંચ બનવા માટે આ તો કેવી લ્હાય કે ન કોઈ નીતિ, ન કોઈ નિયમ ખોટા દસ્તાવેજો રજૂ કરી તમામ નિયમ નેવે મૂકવા પડે, ચૂંટણી લડવા સરપંચે કાવાદાવા કર્યા અંતે ખેલ ઉઘાડો પડ્યો. ખેડા જિલ્લાના વસો તાલુકામાં આવેલા બામરોલી ગામમાં આ વિવાદ સર્જાયો છે. જ્યાં ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.
શું છે વિવાદનું મૂળ?
ગત જૂન 2025માં પંચાયત ચૂંટણીમાં ખેડાના બામરોલી ગામ પેટા ચૂંટણીનો જંગ જામ્યો હતો. જેમાં વિજેતા બનેલા મહિલા સરપંચ જસોદાબેનની જીત થઈ હતી. પણ સરપંચ બનવામાં અભરખામાં ત્રીજા સંતાનનો ખોટો જન્મ દાખલો રજૂ કરી દેવામાં આવ્યો હતો. જસોદાબેન દશરથભાઈ સોલંકીને ત્રણ સંતાનો છે. જેમાં ત્રીજા સંતાનનો જન્મ વર્ષ 2007માં થયો હતો. જોવા જઈ તો જસોદાબેન સરપંચ પદ માટે ઊભા ન રહી શકે પણ તેમણે કાવાદાવા કરી પુત્રનો જન્મ વર્ષ 2006ના થયો હોવાના પુરાવા રજૂ કર્યા હતા, તાલુકા વિકાસ અધિકારીને આ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જે તપાસમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી સરપંચ પદ લીધું હોય તેવું પૂરવાર થતાં આજે તેમણે સરપંચ પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત સરકારનો નિયમ તોડ્યો
વર્ષ 2006 પછી ચૂંટણી લડનારા ઉમેદવારને બે સંતાનથી વધુ સંતાન ન હોવુ જોઈએ તેવો ગુજરાત સરકારનો નિયમ છે. આ નિયમના દાયરામાં હાંકી કઢાયેલા સરપંચ આવતા ન હતા જેથી તેમને સરપંચની ચૂંટણીમાં દસ્તાવેજ સાથે છેડછાડ કરી હતી અને પુત્રના જન્મનું વર્ષ, એક વર્ષ પાછળ કરી સરપંચ પદ માટે ફોર્મ ભરી દીધું હતું. જે ચૂંટણી લડવાના નિયમોનું ઉલ્લંઘન છે.
ગામનો નાગરિક હતો ફરિયાદી
ગામના જ નાગરિક નટવરભાઈ સોલંકીએ સમગ્ર મામલે જુલાઇ 2025માં તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. અને જાતે જ પુરાવા એકત્ર કરી યોગ્ય તપાસ થાય એ માટે સંબંધિત અધિકારીઓને ફરજ પાડી હતી. અંતે તાલુકા વિકાસ અધિકારી (TDO)એ ફરિયાદના 4 મહિના બાદ કાર્યવાહી કરીને જસોદાબેન સોલંકીને તાત્કાલિક અસરથી સરપંચના હોદ્દા પરથી દૂર કરી દીધા છે. ગામમાં સરપંચનું પદ ખાલી પડતાં હવે ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
