ન્યૂઝીલેન્ડ
પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાને ‘હરિસુમિરન સેન્ટર’નું ઉદઘાટન કર્યું
ઓકલેન્ડમાં 7 ફેબ્રુઆરીની સાંજે હરિપ્રબોધમ ન્યૂઝીલેન્ડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને વિશેષ હાજરી આપી હતી.
આ પ્રસંગે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની દિવ્ય નિશ્રામાં હરિસુમિરન કોમ્યુનિટી સેન્ટરનું ભવ્ય ઉદઘાટન સંપન્ન થયું હતું.
વડાપ્રધાને સ્વામીજીના આશીર્વાદ સાથે પ્રારંભ થયેલા આ પ્રોજેક્ટને સામુદાયિક એકતાનું અદભૂત પ્રતીક ગણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે આ કેન્દ્ર માત્ર દાન દ્વારા નિર્મિત છે, જે દર્શાવે છે કે જ્યારે સમુદાય એક થાય ત્યારે કેટલું મોટું કાર્ય થઈ શકે છે.
આ સેન્ટર દ્વારા યુવાનોને પોતાની ઓળખ મળશે, તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેમને સમાજમાં એક શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થશે.
વડાપ્રધાને હરિપ્રબોધમ સંસ્થાના 2001 થી અત્યાર સુધીના પ્રદાન અને વિશ્વભરના લાખો અનુયાયીઓના સેવાકાર્યોની નોંધ લીધી હતી.
માનસિક સ્વાસ્થ્ય, વ્યસન મુક્તિ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરીને તેમણે બિરદાવી હતી.
તેમણે કીવી-ઇન્ડિયન સમુદાય વિશે ગર્વ લેતા કહ્યું કે, તમારા વગર ન્યૂઝીલેન્ડ આર્થિક કે સામાજિક રીતે આટલું સમૃદ્ધ ન હોત.
ભારતીય સમુદાયની સખત મહેનત, બે-ત્રણ નોકરીઓ કરવાની તૈયારી અને પરિવાર પ્રત્યેની નિષ્ઠા અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે.
ન્યૂઝીલેન્ડ સરકાર ભારત સાથેના સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં 1200 થી વધુ મહાનુભાવો સહભાગી થયા હતા.
વડાપ્રધાને અંતમાં હરિપ્રબોધમ ન્યૂઝીલેન્ડની ટીમને ‘થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ’ કહીને તેમની સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સ્વામીજીના સાનિધ્યમાં યોજાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમે ઉપસ્થિત હજારો ભક્તો અને મહેમાનોના દિલ જીતી લીધા હતા.
આ સેન્ટર આગામી પેઢી માટે જ્ઞાન અને સંસ્કારનું કેન્દ્ર બની રહેશે તેવી આશા સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.
ન્યૂઝીલેન્ડ થી માતૃરક્ષા ન્યૂઝ માટે અહેવાલ, પૂ અશોક ભાઈ સેક્રેટરી




