અભોર ગામે સ્મશાનગૃહ સુવિધાઓનો વિકાસ – ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુલ માધવ ફાઉન્ડેશનની અનોખી પહેલ
પાદરા, વડોદરા: સમાજના સર્વાંગી વિકાસ સાથે જીવનના અંતિમ ક્ષણોમાં પણ માન-સન્માન જળવાઈ રહે તેવા સંવેદનશીલ અભિગમ સાથે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા પાદરા તાલુકાના અભોર ગામે સ્મશાનગૃહની અપગ્રેડ થયેલી સુવિધાઓનું હસ્તાંતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ધાર્મિક વિધિ મુજબ પૂજા યોજાઈ હતી.
સ્મશાનગૃહ કોઈ સામાન્ય સુવિધા નથી, પરંતુ સમાજ માટે ગૌરવ અને સંસ્કારનું પ્રતિક છે. ગ્રામિણ વિસ્તારોમાં ઘણીવાર પૂરતી સુવિધાઓના અભાવે પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અભોર ગ્રામ પંચાયત તરફથી મળેલી માંગને ધ્યાનમાં રાખીને ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી.
આ પ્રોજેક્ટ હેઠળ બેઠકો માટે શેડ, સ્વચ્છ શૌચાલય સુવિધા, સુરક્ષા માટે કાંટાળી તારની વાડ, લાકડાં માટે સ્ટોરરૂમ તેમજ ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને સોલાર લાઇટ્સ જેવી આવશ્યક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ સુધારાઓથી સ્મશાનગૃહ હવે ગામલોકો માટે વધુ સુવિધાસભર, સુરક્ષિત અને ગૌરવપૂર્ણ સ્થાન બની ગયું છે.
આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી કામગીરી માત્ર વિકાસ પૂરતી સીમિત નથી, પરંતુ સમાજના સંવેદનશીલ મુદ્દાઓને સ્પર્શે છે. આવી પહેલો ગામના જીવનસ્તરને સુધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.”
અભોર ગામના સરપંચશ્રીએ જણાવ્યું હતું કે,
“આ અમારી ગામની લાંબા સમયથી બાકી રહેલી જરૂરિયાત હતી. આજે આ સુવિધાઓ સાથે ગામલોકોને અંતિમવિધિ માટે યોગ્ય અને ગૌરવપૂર્ણ સ્થળ મળ્યું છે. અમે ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન નો દિલથી આભાર માનીએ છીએ.”
આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ, મોભા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કમલેશભાઈ પરમાર, સરપંચ શ્રી અલ્પેશભાઈ, ઉપસરપંચ શ્રી મયુરભાઈ, પૂર્વ સરપંચ શ્રી મનોજ પટેલ તેમજ તરફથી ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન શ્રી સંજય રોમન, શ્રી કલ્પેશભાઈ પરમાર, શ્રી સચિન ભાટીયા અને શ્રી નિતુલ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી તબક્કામાં ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા સ્મશાનગૃહના પરિસરમાં વૃક્ષારોપણ અને સુંદરતા વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેથી પરિસર વધુ હરિયાળું, સ્વચ્છ અને શાંતિપૂર્ણ બની શકે.
ગામલોકોએ આ પહેલને વ્યાપક પ્રમાણમાં વખાણી અને જણાવ્યું કે આ પ્રોજેક્ટ દ્વારા લાંબા સમયથી રહેલી જરૂરિયાત પૂર્ણ થઈ છે તેમજ જીવનના સૌથી સંવેદનશીલ સમયમાં માન-સન્માન અને સુવિધા બંને સુનિશ્ચિત થયા છે
માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા
⸻



