ભાજપના નિતીનિયમો સગવડીયા
બરોડા ડેરીના પ્રમુખ પદે પુનઃ એકવાર દીનુ મામાની નિમણૂક, ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકી યથાવત
વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રણી બરોડા ડેરીના પ્રમુખ તરીકે પુનઃ એકવાર દિનેશ પટેલ (દિનુમામા)ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીને યથાવત રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ બે હોદ્દાના ભાજપના સગવડીયા નિયમને કારણે જિલ્લા ભાજપા પ્રમુખ સતિષ પટેલ (નિશાળીયા )ને બરોડા ડેરીના પ્રમુખ પદની જવાબદારીમાથી મુક્ત કરવામાં આવ્યા હતા.
ડિરેક્ટરોએ સમર્થન આપ્યું
બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીશ પટેલ (નિશાળિયા)એ તાજેતરમાં રાજીનામું આપી દીધું હતું તે બાદ દીનુ મામાને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવે તે નિશ્ચિત હતું. ત્યારે મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાએ આજે બરોડા ડેરીના પ્રમુખ પદે દિનેશ પટેલ (દિનુમામા)ના નામની જાહેરાત કરી હતી. તે સાથે ઉપપ્રમુખ પદે જી. બી. સોલંકીનું નામ યથાવત રાખવામાં આવ્યું હતું. દિનુમામાના નામની જાહેરાત થતા જ તેમના સમર્થકો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. દરમ્યાન બરોડા ડેરીની મળેલી બોર્ડ મિટિંગમાં પ્રમુખ પદે દિનેશ પટેલ (દિનુમામા)ના નામને ડિરેક્ટરોએ સર્વાનુમતે સમર્થન આપ્યું હતું.
ખેડૂતોના હિતમાં કામ કરીશું
નવનિયુક્ત પ્રમુખ દિનુ મામાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા બરોડા ડેરીના વહીવટ માટે મને જે જવાબદારી સોંપી છે તે જવાબદારીનું સંપૂર્ણ પણે પાલન કરીશ ખેડૂતોનું હિત બરોડા ડેરી દ્વારા કામ માટે જળવાશે અને જળવાતું રહેશે અમે સૌ ડિરેક્ટરો સાથે મળીને બરોડા ડેરીના વિકાસને આગળ ધપાવા માટે કટિબદ્ધ છીએ. આગામી દિવસોમાં ખેડૂતોના જે કોઈ પ્રશ્નો હશે તે પ્રશ્નોનો વ્યવહારિક રીતે નિરાકરણ લાવીશું.
બળવો કર્યો હતો
ઉલ્લેખનીય બાબત એ છે કે બરોડા ડેરીના પ્રમુખ તરીકે ફરી એકવાર નિમાયેલા દિનેશ પટેલ (દિનુ મામા) એ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે બળવો કર્યો હતો અને વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જેના કારણે તેઓને ભાજપામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના પ્રમુખ અને વહીવટ કરતાઓ સામે ખેડૂતોના પ્રશ્નોને લઈને આંદોલન ચલાવ્યું હતું. અને ભ્રષ્ટાચારના પણ આક્ષેપો મૂક્યા હતા . દરમિયાન દિનુ મામાએ બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.
ભાજપાએ રાજીનામું લઇ લીધું
દિનુ મામાએ રાજીનામું આપ્યા બાદ ભાજપા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા)ને બરોડા ડેરીની જવાબદારી સોંપવામાં આવી હતી. થોડા સમય માટે પ્રમુખ પદની જવાબદારી સંભળનાર સતીશ પટેલ (નિશાળિયા)ને એક વ્યક્તિ બે હોદ્દાને લઈને પક્ષ દ્વારા રાજીનામું આપી દેવા માટે જણાવતા સતિષ પટેલ (નિશાળિયા)એ બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. દરમિયાન પ્રમુખ પદની ખાલી પડેલી જગ્યા માટે આજે યોજાયેલી ચૂંટણીમાં સરવાનુંમતે બરોડા ડેરીના પ્રમુખ પદે ફરી એકવાર દિનેશ પટેલ (દિનુમામા )ની પસંદગી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ પદે જી.બી. સોલંકીને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ચર્ચા વિચારણા બાદ નિર્ણય
બરોડા ડેરીના પ્રમુખ પદનું મેન્ડેડ લઈને આવેલા મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે બરોડા ડેરીના ચેરમેન પદે પાર્ટી દ્વારા દિનેશ પટેલ નું નામ નક્કી કરવામાં આવ્યું છે અને ઉપપ્રમુખ તરીકે વર્તમાન ઉપપ્રમુખ જી.બી સોલંકીને યથાવત રાખવામાં આવ્યા છે. પાર્ટીના નિર્ણય અંગે તમામ ડિરેક્ટરો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.